શ્રાવણ માસે વડોદરાના શિવ મંદિરો ભક્તિમય બન્યા

વડોદરામાં શ્રાવણની ભક્તિમય શરૂઆત: શિવાલયોમાં મહાદેવનો દિવ્ય શણગાર 





આજે શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. દેવાદિદેવ મહાદેવની ઉપાસના અને ભક્તિ માટે શ્રાવણ માસ ખૂબ જ પાવન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, ઉપવાસ, દાન અને જપ-તપ દ્વારા શરીર, મન અને આત્માનું શુદ્ધિકરણ થાય છે.

શ્રાવણ માસના આ પાવન આરંભે આજે વડોદરા શહેરના શિવાલયોમાં વહેલી સવારથી 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના ઘોષ સાથે ભક્તિનો માહોલ સર્જાયો છે. ભોળેનાથના દર્શન માટે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો છે.

શહેરના મુખ્ય શિવ મંદિરોએ મનોહર ફૂલો, વેલીઓ અને દિવ્ય શણગારથી મહાદેવને શોભિત કર્યા છે. વિશેષ પૂજાઓ, રુદ્રાભિષેક અને ભજન-ધૂનોથી શિવાલયોમાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ છવાઈ ગયું છે.

શ્રાવણ માસના આ દિવ્ય પ્રારંભે ભક્તોને શિવતત્વના આનંદ અને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થઈ રહી છે. ભગવાન શિવને દૂધ, ગંગાજળ, મધ, બિલ્વપત્ર અને ફૂલો દ્વારા અભિષેક કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે. સમગ્ર શહેરના શિવાલયોમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે ભક્તિની લહેર પ્રસરી ગઈ છે.

શ્રાવણ માસના પવિત્ર આરંભ સાથે આજે જીવંતિકા વ્રતનો પ્રારંભ થયો છે. વૈદિક પરંપરા અનુસાર, વિવાહિત સ્ત્રીઓ પતિના આયુષ્ય, સંતાન સુખ અને કુટુંબની સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. પૂજન દરમ્યાન જીવંતિકા માતાની આરાધના, રક્ષાસૂત્ર બંધન અને વ્રતકથાનું વિશિષ્ટ મહત્વ છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરાયેલ આ વ્રત સ્ત્રીઓને આલૌકિક પુણ્યફળ આપે છે અને જન્મો સુધી કલ્યાણકારક બને છે.

Comments